ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ એક્શનમાં આવી ગઇ છે. મોંઘવારી, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, અર્થતંત્ર, ડ્રગ્સ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસે જાહેર કરેલા સ્વૈચ્છિક બંધમા લોકોને જોડાવા અપીલ કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બરે સવારે ૮થી ૧૨ વાગ્યા સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જો કે ગુજરાત સાંકેતિક બંધમાં કાર્યકરોને કાળજી રાખવા ખાસ સૂચનાઓ અપાઈ છે.
કૉંગ્રેસે ઈમરજન્સી સેવાઓને ક્યાંય પણ અડચણ ન થાય તે માટે કાર્યકરો અને આગેવાનો સૂચના આપી હતી. હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, દવાખાના, દવાની દુકાનોને સંપૂર્ણ પણે કોંગ્રેસ આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓએ મદદકર્તા બનવાનુ પણ કહેવામાં આવ્યું છે. નાના લારી ગલ્લા, પાથરણાવાળા, ફેરિયાઓ, રોજીંદુ કમાતા લોકોને સમજાવટથી પ્રતિકાત્મક બંધમાં જોડાવા વિનંતી કરવી તેવી પણ સૂચના અપાઈ છે. પગપાળા સંઘ, પંડાલ અને ધાર્મિક પ્રવૃત્તિઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા પણ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખે અપીલ કરી છે.

