ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન માદ મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગાડીમાં સવાર દરેક લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. તમે આગળની સીટ પર બેઠાં હોય કે પાછળની સીટ પર સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે.
સાયરસ મિસ્ત્રીનું મોત અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખેદ વ્યક્ત કર્યો છે. સાથે જ નવા નિયમની પણ વાત કરી છે. રોડ ટ્રાંસપોર્ટ અને હાઈવેના યુનિય મિનિસ્ટરે ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય તે તમામ લોકો પર દંડ લગાડવાની યોજના બનાવે છે જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર મુસાફરી કરે છે. ગડકરીએ કહ્યું કે આગળ કે પાછળની સીટ પર બેઠાં હોય તે તમામે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. આ નિયમનું પાલન નહીં કરનારાઓ સામે દંડ લગાડવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજિત IAA ગ્લોબલ સમિટમાં પહોંચેલા ગડકરીએ સાયરસ મિસ્ત્રી અંગે મીડિયાના સવાલોના જવાબ આપ્યા.
મહત્વની વાત એ છે કે ડ્રાઈવરની પાછલી સીટ પર બેઠેલો યાત્રિક સીટ બેલ્ટ નહીં પહેરે તો દંડ થશે. પાછળની સીટમાં બેલ્ટ લગાડવા માટે ક્લિપની વ્યવસ્થા હશે. એવી પણ માહિતી મળી રહી છે કે સીટ પર બેઠેલી વ્યક્તિ જો સીટ બેલ્ટ નહીં પહેરે તો આલાર્મ વાગતો રહેશે. આ નવા નિયમ અંગે આગામી 3 દિવસમાં આદેશ જાહેર થઈ શકે છે.
ટૂંક સમયમાં જ લાગુ થશે નિયમ
મંત્રી ગડકરીએ તે વાતનો સ્વીકાર કરતા જણાવ્યું કે, ભારતમાં રોડ દુર્ઘટનાઓ મોટા પ્રમાણમાં થાય છે. જો કે તેમને નવા પ્રસ્તાવિત નવા સીટ બેલ્ટ નિયમના ઉલ્લંઘન પર થનારા દંડની રકમ અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો. જો કે તેમને કહ્યું કે કાર બનાવતી વખતે એરબેગને અનિવાર્ય બનાવવાની જોગવાઈ સાથે નવા નિયમ અંતર્ગત કાર તૈયાર કરાશે.
અકસ્માતના કેસ રેકોર્ડબ્રેકઃ ગડકરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશમાં એક વર્ષની અંદર 5,00,000 દુર્ઘટનાઓનો રેકોર્ડ જોઈને પરેશાન થઈ ગયો છું. ગડકરીએ ઉલ્લેખ કર્યો કે રોડ અકસ્માતમાં 60 ટકા લોકો 18થી 34 વર્ષના લોકો સામેલ છે.
હાલ શું છે નિયમ?
કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989)ની કલમ 138(3) અનુસાર કારમાં સીટ બેલ્ટ આપવામાં આવી છે. અને તે દરેક કાર ચાલકે ખાસ કરીને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે. સાથે જ 5 સીટર કારમાં પાછળ બેસતા લોકોને સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠલા યાત્રિકોના ફેસ સામે બાજુ છે, તેમાં કાર ચાલતી હોય ત્યારે બેલ્ટ લગાડવો જરૂરી છે.
હાલ કેટલો છે દંડ?
સીટ બેલ્ટ કાયદાકીય રીતે ફરજિયાત અને તેનું પાલન ન કરનારને દંડ પણ થાય છે, તેમ છતાં આપણાં દેશમાં મોટા ભાગના લોકો સીટ બેલ્ટ બાંધવાનું ટાળે છે. 2019માં ભારતમાં મોટર વાહન સંશોધન અધિનિયમ 2019માં સીટ બેલ્ટ નહીં પહેરનાર પર દંડની રકમ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરાયા હતા.

