અમદાવાદ: શુક્રવારે અરવલ્લીના માલપુર (Malpur) નજીક થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં છ પદયાત્રિકોનાં મોત થયા છે. મૃતકોમાં કાલોલ તાલુકાના અલાલી ગામના બે યુવકો સામેલ છે. ગઈકાલે બંને મૃતકોનાં મૃતદેહ વતનમાં આવતાની સાથે જ ગામે આખું હિબકે ચઢ્યું હતું. ખોબા જેવા ગામમાં બંને જુવાનજોધ અપરિણીત યુવકોની સ્મશાનયાત્રા નીકળતા ભારે શોકનો માહોલ છવાયો હતો. જોકે, આ દરમિયાન એક પત્રિકા પણ વાયરલ થઈ છે. પદયાત્રા શરૂ થતા પહેલા પદયાત્રીઓએ એક પત્રિકા છપાવી હતી. આ પત્રિકામાં જે શબ્દો લખવામાં આવ્યા હતા તે સાચા સાબિત થયા છે.
પત્રિકા વાયરલ થઈ
પદયાત્રા પહેલા છપાયેલી પત્રિકામાં લખ્યું હતું કે, "એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય, તો ખૂદ માતાજીને પણ શરમ લાગે કે એની સોનેરી જિંદગી કેમ છીનવી લીધી." એવી પણ માહિતી મળી છે કે અલાલી ગામના બંને મૃતકો છેલ્લા 10 વર્ષથી પગપાળા સંઘમાં જતા હતા. જેમાં સંઘમાં જતા પ્રકાશ નામના યુવકે વાયરલ થયેલી પત્રિકા છપાવી હતી.
કાર ડ્રાઇવર 20 કલાકથી ચલાવી રહ્યો હતો કાર
અકસ્માત અંગે પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ઇનોવા કારનો ચાલક પુણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો. તે વ્યક્તિ પુણેથી ઉદેપુર તરફ જઇ રહ્યો હતો. ઇનોવા કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધી શક્યો હોત.
મૃતકોની યાદી
મૃતકોના નામની વાત કરવામાં આવે તો,
કલોલના જાદવ રમણભાઇ, રાઠોડ પ્રકાશભાઇ, લીમખેડાના દાહોદ બીલવાડ સંજયકુમાર, બારીયા અપશીંગભાઇ તથા મેઘરજના અરવલ્લીના બામણીયા સુરેશભાઇ અને ઝાલોદના અડ વિક્રમભાઇ રૂપાભાઇનો સમાવેશ થાય છે.
ડ્રાઇરની બેદરકારીથી થયો અકસ્માત
શુક્રવારે વહેલી સવારે 7.30 કલાકની આસપાસ અંબાજી જતા પદયાત્રીઓને કૃષ્ણનગર ગામ પાસે ઇનોવા કારે કચડી નાંખ્યા હતા. જેના કારણે છ લોકોનાં મોત નીપજ્યા હતા. આ બનાવમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કાર ચાલકની બેદરકારીથી આ અકસ્માત થયો હતો.




.png)