ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ વખતે યોજાનારી ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયાની ભૂમિકા સૌથી મહત્ત્વની રહેશે. સોશિયલ મીડિયાનો સહારો તમામ રાજકીય પાર્ટીઓ લઈ રહી છે, ત્યારે કોંગ્રેસે રાજ્યનાં 52 હજાર બૂથનું મેનેજમેન્ટ ડિજિટલી કરવાની શરૂઆત કરી છે, જેના માટે એક એપ્લિકેશનની ખરીદી પણ કરવામાં આવી છે
91 એલઇડી વાન ખરીદી છે, ફેઝ પ્રમાણે પ્રચાર કરાશે - જગદીશ ઠાકોર
આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રચાર-પ્રસાર માટે 182 વિધાનસભા માટે હોર્ડિંગ તેમજ બોર્ડ લગાવવા માટેની એજન્સી નક્કી થઈ છે. પ્રચારના તમામ ફેઝ નક્કી થયા છે. સોશિયલ મીડિયા તથા મીડિયામાં કયા કયા મુદ્દાને લઈને કેવી વાત કરવી? એ નક્કી કરાયું છે તેમજ 91 એલઇડી વાન ખરીદાઈ છે, જેમાં 2 વિધાનસભા વચ્ચે એક એલઈડી વાનમાં ફેઝ પ્રમાણે લોકોને માહિતગાર કરી પ્રચાર કરવામાં આવશે.
ઓક્ટોબર માસમાં કોંગ્રેસ ચૂંટણીઢંઢેરો જાહેર કરશે
ચૂંટણી અગાઉ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કોંગ્રેસ મહેનત કરી રહી છે. ચૂંટણી મેનિફેસ્ટોમાં કયા મુદ્દાને લઈને આગળ વધવું એ માટે જિલ્લા સ્તરેથી સૂચનો મગાવાઈ રહ્યાં છે. આ ઉપરાંત વિધાનસભા પ્રમાણે ખેડૂત, કોન્ટ્રેક્ટ પર કામ કરતો સમૂહ, એનજીઓ, કર્મચારીઓ, પીડિત વર્ગ વગેરે સાથે રૂબરૂ મુલાકાત કરી તેમનાં સૂચનો મેળવાઈ રહ્યાં છે. ત્યારે આગામી ઓક્ટોબર માસમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો જાહેર કરવામાં આવે એવી સંભાવના છે.


