રખડતા પશુઓને લીધે લોકોને થઈ રહેલી હેરાનગતિ, વિફરેલાં ઢોરોના લીધે લોકોને થતી ઇજા-જાનહાનિને ધ્યાને લઇ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદો લાવવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, માલધારી સમાજે આ કાયદા પાછા લેવા ‘દૂધ રોકો’ આંદોલન શરૂ કરી દેતા મંગળવાર રાત્રે અને બુધવારે બપોર સુધી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એવી થઈ ગઇ હતી કે સુમુલ ડેરીમાંથી નિકળતા દૂધનાં વાહનોને પોલીસ પ્રોટેકશન આપવાની ફરજ પડી હતી. દરમિયાન પોતાના વિરોધ દરમિયાન માલધારીઓ-દૂધ સપ્લાયરોએ સેંકડો લિટર દૂધ નદીમાં વહાવી દીધું હતું.
મંગળવારની મોડી રાત્રીએ તો નહેરુ બ્રિજ પર દૂધનો ટેમ્પો રોકીને દૂધની થેલીઓ નદીમાં ફેંકી દેવાઇ હતી. આ ઉપરાંત વરાછા બ્રિજ પરથી અને નાવડી ઓવારે પણ દૂધ નદીમાં ફેંકી દેવાયું હતું. આ દરમિયાન, હાલાકી વચ્ચે પણ સુમુલ ડેરીનો ધંધો વધી ગયો હતો. લોકોએ દૂધનો સંગ્રહ કરતાં સામાન્ય દિવસો કરતા દૂધનું વેચાણ 1 લાખ લિટર વધી ગયું હતું. સુમુલના વહીવટકર્તાઓએ કહ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રોજનું 12.5 લાખ લિટર દૂધનું વિતરણ થાય છે, જ્યારે બુધવારે 1 લાખ લિટર વધુ થયું હતું. બીજી તરફ ચોયાર્સી ડેરીએ 17 હજાર લિટર દૂધ વેચાણની તૈયારી સાથે 15 હજાર લિટર દૂધ વેચ્યું હતું. 2 હજાર લિટર ઓછું વેચાયું હતું.
વેડ, જહાંગીરપુરા, અડાજણ સહિતના વિસ્તારોમાં દૂધ ન મળ્યું
મંગળવારે રાત્રે જ સુમુલ ડેરી સહિતની ડેરીઓ પર ગ્રાહકોની કતારો લાગી ગઈ હતી. બુધવારે સવારે પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. કોટ વિસ્તરમાં અ્નેક જગ્યાએ દૂધ મળ્યું હતું. વેડ રોડ, જહાંગીરપુરા, અડાજણ, કતારગામ સહિતના વિસ્તારોમાં દૂધ માટે લોકોએ રીતસરના વલખાં મારવા પડ્યા હતા.
આજે પણ બંદોબસ્ત રહેશે
સુમુલ ડેરીના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુવારે પણ જ્યાં જરૂર જણાય ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે દૂધનું વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને ગ્રાહકોને દૂધ ખરીદવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
‘ભાઈ, હવે કાલથી દૂધ આપવા માટે આવતા જ નહીં’
બુધવારે સોશિયલ મીડિયામાં એવા વીડિયો પણ ફરતા થયા હતા કે, રોજિંદુ દૂધ આપનારા ન આવ્યા તો ગ્રાહકોએ તેમને કોલ કરીને કહી દીધું હતું કે, ‘ભાઈ, હવે કાલથી આવતા જ નહીં.’ આ મેસેજનો સીધો મતબલ એ હતો કે ગ્રાહકો હવે ત્રાસી ગયા છે અને તેમણે બીજેથી દૂધની વ્યવસ્થા કાયમ માટે કરી લીધી છે.


.png)