સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત સરકાર દ્વારા તા. 13 થી 15 ઓગસ્ટ-2022 સુધી 'હર ઘર તિરંગા' અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં આ ઉજવણીના ભાગરૂપે માઇક્રોપ્લાનિંગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ વિભાગો એકજુથ થઇ સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યાં છે. જેમાં જિલ્લામાં હાલ અંદાજિત 50 જેટલા સ્વસહાય જુથો સાથે સંકળાયેલ બહેનો દ્વારા ગ્રામ્યસ્તરે તિરંગાનું વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં નિઝર તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા 4 હજાર જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી “હર ઘર તિરંગા” અભિયાનને સાકાર કરી રહ્યાં છે.
રાખી મેળા સાથે તિરંગા વેચાણ માટે અમને સ્ટોલ ફાળવવામાં આવ્યા
વ્યારાના સખી રાખી મેળામાં તિરંગાના વેચાણ માટે મુકવામાં આવેલ સ્ટોલ ખુશી સખી મંડળના સભ્ય લતા ગામીત જણાવે છે કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ શાખા દ્વારા સખી મંડળની બહેનોનો ખુબ સાથ સહકાર મળી રહ્યો છે. રાખી મેળા સાથે તિરંગા વેચાણ માટે અમને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. એથી અમે તિરંગા અને રાખડીના વેચાણ દ્વારા રોજગારી ઉભી કરી શકીશું. જે બદલ અમે જિલ્લા વહિવટી તંત્રના આભારી છીએ.
