ગણદેવીથી વલસાડ ખાતે મંદિરે દર્શન માટે આવી રહેલા ગણદેવીના બે મિત્રો સોનવાડા બ્રિજ પર ખાડામાં પટકાતા પાછળ આવતી એસટી બસનું ટાયર ફરી વળવાના પગલે ચાલક મિત્રનું સારવાર દરમિયાન સિવિલમાં મોત થયું હતું. વલસાડના હાઇવે પર ખાડાએ વધુ એક ભોગ લીધો હતો.ગણદેવી સુગર ફેકટરી પાસે બાલાજી પ્લાવુડ કંપનીમાં નોકરી કરતાં બીપીન શ્રીનાગેશ્વર ઉ.24 અને તેમનો મિત્ર મોતીલાલ જોગીન્દર મહતો ઉ.29 બાઇક લઇને વલસાડમાં મંદિર ખાતે દર્શન કરવા નિકળ્યા હતા.
ગણદેવીથી નિકળી રસ્તે હોટલમાં જમીને તેઓ વલસાડના સોનવાડા ઓવરબ્રિજ પરથી પસાર થતાં રસ્તામાં ખાડો આવી જતાં ચાલક મોતીલાલે કાબૂ ગુમાવી દીધો હતો.જેના પગલે બંન્ને મિત્રો રોડ પર પટકાયા હતા.કમનસીબે પાછળથી પૂર ઝડપે આવી રહેલી એસટી બસનું ટાયર બાઇક ચાલક મિત્ર મોતીલાલના જમણા હાથ પર ફરી વળતતા તે 2 ફુટ સુધી ઘસડાયો હતો.બાદમાં લોકોએ દોડી આવી 108ને ફોન કરતા 108ની ટીમ તાત્કાલિક ધસી આવી ગંભીર ઇજા પામેલા અને અર્ધ બેભાન થઇ ગયેલા મોતીલાલને વલસાડ સિવિલમાં આઇસીયુમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું.ડુંગરી પોલીસ મથકે બીપીન શ્રીનાગેશ્વરે એસટી ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


.png)