પાટીદાર અનામત આંદોલનનાં 7 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. 25 ઓગસ્ટ, 2015ના રોજથી આક્રમક મોડમાં આવેલા આ આંદોલને પહેલા 9 અને બાદમાં કુલ 14 લોકોનો અલગ અલગ તબક્કે જીવ લીધો હતો. અનામતની માગ સાથે આંદોલનની શરૂઆત કરનારા પ્રણેતા હાર્દિક પટેલ પણ હવે એક સામાન્ય યુવકમાંથી નેતાના પદ પર પહોંચી ગયા છે. એક એવા નેતા, જેની બોલી પર હવે કોઈ ભરોસો જ કરવા તૈયાર થતું નથી.
ક્રમબદ્ધ રીતે હાર્દિક પટેલ એક સામાન્ય યુવાનમાંથી અનામત આંદોલનના નેતા, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને હવે ભાજપના નેતા બની ગયા છે, પરંતુ એ આંદોલનમાં પોતાના જીવ ગુમાવનારા યુવાનોના પરિવારજનોની જિંદગી જ સ્થગિત થઈ ગઈ છે. એ પરિવારો તો હજુ પણ ત્યાંના ત્યાં જ છે. પોતાના વહાલસોયાને ખોનારા પરિવારજનોની મનોદશા શબ્દોમાં પણ વર્ણવી શકાય એવી રહી નથી.
અનામતના નામે રાજકારણ રમીને 14 યુવાનની હત્યા કરવાના આરોપ સાથે ભાજપમાં જોડાતી વખતે હાર્દિક પટેલે આપેલાં વચન પર તે આજે પણ ખરો ઊતરી શક્યો નથી. ભાજપમાં જોડાવાના બે માસ બાદ પણ મૃતક પરિવારો માટે નગણ્ય કામ હાર્દિક પટેલ દ્વારા કરાયાં છે.
હાર્દિક પટેલે આ સમયગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોતને ભેટનારા પરિવારજનોને નોકરી અપાવવાનું એક નિવેદન કર્યું હતું.
હાર્દિક પટેલનું 2 જૂનનું નિવેદન (શબ્દશ:)
ચાર મિત્રો અમે મળ્યા હતા અને અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી મને ભરોસો છે સરકાર પર, મુખ્યમંત્રી પર. આંદોલન દરમિયાન અમારા સાથી યુવાનોના જે મૃત્યુ થયાં હતાં તેમને મદદ મળે તેવા પૂરા પ્રયાસ કરીશું. અમે મિત્રોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી સરકારી નોકરી ના મળે ત્યાં સુધી આગામી બે માસની અંદર તમામ મૃતક પરિજનોને વૈકલ્પિક નોકરીની વ્યવસ્થા કરીશું. મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને પણ મદદ કરવા માટે રજૂઆત કરીશું. સરકારે સંપૂર્ણપણે આર્થિક મદદ કરી છે. 10 ટકા અનામત હોય, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય, પરંતુ અમુક લોકો કોંગ્રેસના ખોળામાં બેસીને સમાજના નામે રાજકારણ કરે છે, સમાજને ગુમરાહ કરે છે તેવા લોકો માટે મેં મારી આ વાત રાખી છે.
મારા દીકરાને લઈ લીધો, મારો વંશ પૂરો થઈ ગયો: મૃતક શ્વેતાંગ પટેલનાં માતા
અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતો અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોતને ભેટનારા શ્વેતાંગ પટેલનાં માતા પ્રભાબેન પટેલે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલ અગાઉ કઈ પાર્ટીમાં હતા ? અને હાલ ક્યાં પહોંચી ગયા છે ? જેને ગાળો ભાંડતા હતા એના જ ખોળામાં જઈને તે બેસી ગયા છે. મારા દીકરાને લઈ લીધો અને અમારા ઘડપણની લાકડી પણ છીનવી લીધી. આંદોલન ના થયું હોત તો મારો દીકરો ન જાત. આ તો અમારો વંશ પૂરો થઈ ગયો. અમારી સેવા કરનારું કોઈ રહ્યું નથી. હાર્દિક પટેલ પર તો વિશ્વાસ જ રહ્યો નથી. મારા પતિ પથારીવશ છે અને મેં કેન્સરનું ઓપરેશન કરાવ્યું છે.
ભાજપમાં જોડાયા પછી તો હાર્દિક પટેલ દેખાયા જ નથી: ઈજાગ્રસ્ત પ્રતીક પટેલના કાકા
મહેસાણા ખાતે રહેતા પ્રતીક પટેલને આંદોલન સમયે માથાના ભાગે ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રતીક પટેલ હાલ સામાન્ય હલનચલન કરી શકે છે. તેના કાકા ગણપત પટેલ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે અમારો દીકરો હાલ માત્ર જીવી જ રહ્યો છે. તેની સ્થિતિ એવી છે કે કોઈ કામ-ધંધો કરી શકાય એમ નથી. આંદોલન સમયે સરકાર તરફથી અમને મેડિકલ ખર્ચા મળ્યા હતા, જે હવે બંધ થઈ ગયા છે. પ્રતીકની પત્નીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નોકરી અપાવી છે, પરંતુ હાર્દિક પટેલ ઘટના બની ત્યારે બે વખત આવ્યા હતા. ભાજપમાં જોડાયા પછી તો અમારી પાસે આવ્યા જ નથી.


.png)