ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી મામલે આપ કોંગ્રેસ અને ભાજપ કરતા આગળ ચાલી રહી છે. 10 ઉમેદવારોના નામ પણ જાહેર કરી ચૂકી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભાજપને ચૂંટલો ખણતા ટ્વીટ કર્યું કે, આપ ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે, ભાજપ હડબડાટમાં છે. શું ખરેખર આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં અમિત શાહજીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા જઈ રહ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી ભાજપ પણ નારાજ છે?
અમારે માટે આવો કોઈ મુદ્દો નથી: યમલ વ્યાસ
અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા ભાજપને જોરદાર ચૂંટલી ખણી લેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે ભાજપનું કહેવું છે કે, મનફાવે એવા ટ્વીટ અને નિવેદનોના જવાબ આપવા ભાજપનું કામ જ નથી. આ મામલે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, અમારે માટે આવો કોઈ મુદ્દો નથી. પ્રજાના કામો અને વિકાસ સાથે ભાજપ આગળ વધી રહ્યો છે. ચૂંટણી આવે એટલે બીજા પક્ષ આવા મનફાવે એવા નિવેદનો કરે છે. પરંતુ એનાથી ભાજપ કે જનતાને કોઈ ફરક પાડવાનો નથી. ભાજપ પ્રજા વચ્ચે છે અને પ્રજા ભાજપ સાથે જ છે. કોઈ ના કહેવાથી કંઈ થઈ જવાનું નથી.
મનોહર પારિકર CM બની શકે તો અમિત શાહ કેમ નહીંઃ ગોપાલ ઇટાલિયા
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દિવ્યભાસ્કરે પૂછ્યું કે, અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી પદ છોડી મુખ્યમંત્રી કેમ બને? જેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, કેન્દ્રીય સંરક્ષણમંત્રી મનોહર પારિકર ગોવા જેવા રાજ્યના મુખ્યમંત્રી બન્યા જ હતા, ગોવાનો દાખલો છે નજર સામે.
‘અમિત શાહ મુખ્યમંત્રી બને કે ગમે એ બને કોઈ ફાયદો નથી’
અમિત શાહ મુખ્યમંત્રી બને એમા ગુજરાતને શું ફાયદો? જેના જવાબમાં ઇટાલિયાએ જણાવ્યું કે, ગુજરાતને ભાજપની સરકાર બને એમા જ કોઈ ફાયદો નથી, પછી અમિત શાહ મુખ્યમંત્રી બને કે ગમે એ બને. ભાજપની સરકારથી કોઈ ફાયદો થવાનો નથી. આગામી સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો જ ગુજરાતની જનતાને સારા દવાખાના મળશે અને ભ્રષ્ટાચાર નાબુદી થશે. શું 2027માં બનશે આપની સરકાર? ના નેક્સ્ટ ટાઈમ એટલે 2022માં જ સરકાર બનશે.



.png)