સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે ગુલામ નબી આઝાદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલ્યું છે.
ગુલામ નબીએ રાજીનામામાં ભડાસ કાઢી
સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં ગુલામ નબી આઝાદે લખ્યું છે, ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે.
તેમણે વધુમાં લખ્યું છે કે દુર્ભાગ્યથી પાર્ટીમાં જ્યારથી રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ અને જાન્યુઆરી 2013માં જ્યારે તમે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી તેમણે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું છે. આઝાદ આટલેથી ના રોકાયા અને તેમણે વધુમાં લખ્યું છે કે રાહુલની એન્ટ્રી પછી સિનિયર અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. બિનઅનુભવી લોકો તેમનું નવું ગ્રુપ ઊભું કરી રહ્યા છે અને તે લોકો જ પાર્ટી ચલાવી રહ્યા છે.
કોંગ્રેસે દસ દિવસ પહેલાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું આપ્યું છે. જોકે ત્યારે પણ રાજીનામું આપવાના કારણ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો.



.png)