એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ સામે કાયદાકીય સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ED દ્વારા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેના જવાબમાં કોંગ્રેસ કેન્દ્ર સરકાર સામે લાંબી લડાઈ લડવાની તૈયારી કરી રહી છે.
શુક્રવારે દિલ્હીમાં મોંઘવારીના વિરોધમાં નિકળેલી રેલી બાદ દરેક રાજ્યમાં આવા પ્રદર્શનો યોજવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે. જેથી મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચારને લોકોમાં મોટો મુદ્દો બનાવી શકાય.
કોંગ્રેસ આ મહિને 9 થી 15 ઓગસ્ટ સુધી પદ યાત્રા કાઢવા જઈ રહી છે. દરેક જિલ્લામાં કોંગ્રેસીઓ 75 કિલોમીટરની પદયાત્રા કરશે. દોઢ મહિના બાદ 2 ઓક્ટોબરથી કોંગ્રેસ નેતાઓ દ્વારા દેશભરમાં ભારત જોડો પદ યાત્રા યોજવામાં આવશે. આના દ્વારા પણ મોંઘવારી, બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે.
2024 સુધીમાં કોંગ્રેસ દ્વારા એક પછી એક કાર્યક્રમો નક્કી કરવામાં આવશે, જેથી સરકાર વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં સરળતા રહે. આ માટે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સહિત દેશભરમાંથી કોંગ્રેસના મોટા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે.
8 વર્ષમાં પહેલીવાર સત્તામાંથી કોંગ્રેસ બહાર, રસ્તા પર સંઘર્ષ
દેશની આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસ આઠ વર્ષથી વધુ સમયથી સત્તાની બહાર છે. કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે પણ પોતાની છાપ ઉભી કરી શકી નથી. કોંગ્રેસ એક પછી એક રાજ્ય હારી રહી છે. તે માત્ર રાજસ્થાન અને છત્તીસગઢ પૂરતી મર્યાદિત રહી છે. જ્યારે ઝારખંડ અને તમિલનાડુ ગઠબંધન સરકારમાં સામેલ છે. તમામ યુવા અને જનાધાર ધરાવતા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, જેના કારણે કોંગ્રેસ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.
દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પર નેશનલ હેરાલ્ડ કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. જેની ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાહુલ અને સોનિયાના બચાવ માટે કોંગ્રેસના નેતાઓથી લઈને કાર્યકરો પહેલીવાર રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા. આ જ એપિસોડને આગળ ધપાવતા શુક્રવારે કોંગ્રેસના નેતાઓ મોંઘવારી મુદ્દે દેશભરમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.


.png)