તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાકડકુવા પ્ર. ઉમરદા પ્રાથમિક શાળાના 67મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સરપંચ ઝીણીબેન ગામીતના અધ્યક્ષ સ્થાને શાળાપરિવાર અને ગ્રામજનોએ બાળકોને આશિર્વાદ આપી શિક્ષણમાં અગ્રેસર બનવા શુભેચ્છાઓ પાઠવી હતી. સરપંચ ઝીણીબહેને શાળાના બાળકો સાથે સંવાદ કરી સરકારના આગામી શરૂ થનાર હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. સાથે ગામના તમામ બાળકો શાળામાં નિયમિત આવે અને કારકિર્દિના ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
અંતરિયાળ શાળાની પ્રગતિ ગ્રામજનોના સહકારથી નોંધાઈ
શાળાના આચાર્ય ગણપતભાઈ બાલુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કાકડકુવા ગામમાં તા.01/08/1956માં શરૂ થઈ હતી. ધોરણ-1 થી 5માં હાલમાં કુલ 66 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જિલ્લાની શ્રેષ્ઠ એકલવ્ય મોડેલ સ્કુલ,ખોડદામાં અત્યાર સુધીમાં 17 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે કુલ 4 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, અહીંથી શિક્ષણ મેળવીને એક વિદ્યાર્થી ડાંગ જિલ્લામાં કોલેજમાં પ્રોફેસર છે. જ્યારે એક વિદ્યાર્થી વ્યારા GETCO માં ઈજનેર છે. 15થી વધુ બાળકો એન્જીનીયરીંગ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. આમ અંતરિયાળ શાળાની પ્રગતિ ગ્રામજનોના સહકારથી નોંધપાત્ર રહી છે.
કેક કાપી ઊજવણી કરવામાં આવી
કાકડકુવાના બાળકોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.શાળાના બાળકો સમયાંતરે પ્રભાતફેરી,વૃક્ષારોપણ,કીચન ગાર્ડન જેવી પ્રવૃત્તિઓ દ્વારા શાળાને રમણિય બનાવે છે. સ્થાપના દિવસની આ ઉજવણી પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય રાયસીંગભાઈ ગામીત,વડીલ ભગુભાઈ ગામીત, એસ.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




.png)