બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પોલીસ હરકતમાં આવી છે. અને તમામ શહેરો તેમજ જિલ્લાની પોલીસ દેશીદારૂના દુષણને ડામવા માટે કડક પગલાંઓ ભરી રહી છે. ત્યારે સુરત જિલ્લાનાં કામરેજ પોલીસ દ્વારા તાપી નદીના કિનારા વિસ્તાર તેમજ ઝાડી ઝાખરામાં વિસ્તારમાં હજુ પણ કાર્યરત એવી દેશીદારૂની ભઠ્ઠીઓ શોધવા માટે ડ્રોન ઉડાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસે 6 જેટલી ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી.
પોલીસનું ડ્રોનની મદદથી ચેકીંગ શરૂ
કથિત લઠ્ઠાકાંડમાં 45થી વધુ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યા છે. અને હજુ પણ કેટલાક ભોગ બનનાર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દેશીદારૂના દુષણને ડામવા માટે કડક સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ કામે લાગી હતી. કામરેજ ડિવિઝનનાં DYSP બી.કે.વનાર, કામરેજ PI આર.બી.ભટોળ તેમજ પોલીસની ટીમ દ્વારા રેડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે
પોલીસે ડ્રોનથી અંતરિયાળ ક્ષેત્રોમાં ચાલતી ભઠ્ઠીઓ ઝડપી
રેડ ડ્રાઈવ દરમિયાન દેશીદારૂ વેચાણ, રસાયણ વેચાણ , દારૂની ભઠ્ઠીઓ તેમજ વિદેશી દારૂના વેચાણના અનેક કેસો કરવામા આવ્યા છે. પરંતુ નદી કિનારે તેમજ ઝાડી ઝાખરા વિસ્તારમાં હજુ પણ કાર્યરત દેશી દારૂની ભઠ્ઠીઓ કોઈને ધ્યાને આવતી નથી. તેવી ભઠ્ઠીઓ પર રેડ કરવા પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી તાલુકાના ગામે ગામ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જે દરમિયાન પોલીસનાં નજરે 6 ભઠ્ઠીઓ આવતા તમામ સ્થળોએ રેડ કરી ભઠ્ઠીઓ તોડવામાં આવી છે. પોલીસ દ્વારા દેશીદારૂનું દુષણ સદંતર બંધ ન થાય ત્યાં સુધી ડ્રોનની મદદથી ચેકીંગ શરૂ જ રહેશે તેવું પણ જણાવાયું હતું.





.png)