એકપછી એક કેસો આવતા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરાયું
ત્રણ જિલ્લાની 16 હોસ્પિટલમાં દર્દીઓને પહોંચાડ્યા
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં 29 દર્દીઓના મોત થયા છે. 108 એમ્બ્યુલન્સની ઓફિશિયલ પ્રેસનોટમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગઇકાલે સાંજે 5 વાગ્યાથી આજે સવારે 9 વાગ્યા સુધીમાં 17 જેટલી એમ્બ્યુન્લસમાં 85 દર્દીઓને ત્રણ જિલ્લા અમદાવાદ, ભાવનગર અને બોટાદની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકપછી એક કેસ બહાર આવતા એમ્બ્યુલન્સ ખૂટી પડી હતી અને સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી અન્ય જિલ્લામાંથી એમ્બ્યુલન્સ મંગાવવી પડી હતી.
16 કલાક ચાલ્યું 108નું સ્પેશિયલ ઓપરેશન
108 Emergency response centre 108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને સીએચસી ધંધુકાથી સાંજે 5 વાગ્યે ઇમરજન્સી કોલ આવ્યો હતો કે ઝેરી દારૂ પીવાથી દર્દીની હાલત ગંભીર છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાના છે. થોડીજ વારમાં એકપછી એક ફોન આવતા ગયા અને 108 દ્વારા બનાવની ગંભીરતા જાણી સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજના 5 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી 16 કલાક હાઈવે 108ની એમ્બ્યુલન્સના સાઇરનથી ગુંજતો રહ્યો. 17 એમ્બ્યુલન્સ દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે દોડી રહી હતી તો 7 જેટલી એમ્બ્યુલન્સની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
16 કલાકમાં આ હોસ્પિટલોમાં દર્દીઓને લઇને પહોંચી 108
108ની એમ્બ્યુલન્સ અમદાવાદના ધોલેરામાં 7, ધંધુકામાં 7, ફેદરામાં 7, વટામણમાં 4, બગોદરામાં 4, બાવળામાં 1 દર્દીને લઇને પહોંચી હતી. તેમજ ભાવનગરના વલભીપુરમાં 5 અને નારીમાં 2 દર્દીને પહોંચાડ્યા હતા. સૌથી વધુ દર્દી બોટાદ જિલ્લામાં દાખલ કરાયા છે. બોટાદના સાળંગપુરમાં 14, બરવાળામાં 12, સમઢિયાળામાં 5, રાણપુરમાં 5, બોટાદમાં 4, ગઢડામાં 4, પાળિયાદમાં 3 અને લખિયાણીમાં 1 દર્દીને એડમિટ કર્યો હતો.


.png)