તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયા
હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ સંબંધે ડિઝાસ્ટર પ્રીપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડિપ્લોય કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ રાજ્યમાં NDRFની 9 ટીમો તહેનાત છે.
7થી 10 જુલાઈ દરમિયાન આ વિસ્તારોમાં જળબંબાકાર થઈ શકે
'રાજ્યમાં તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.
પાણીનો સંગ્રહ થયો હોવાથી વિવિધ એલર્ટના સિગ્નલ
ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ થતાં એક ડેમમાં હાઈએલર્ટ, એક ડેમમાં એલર્ટ અને એક ડેમમાં ચેતવણી આપવામાં આવી છે. રાજ્યનાં 206 જળાશય પૈકીના ત્રણ ડેમમાં વિવિધ એલર્ટનાં સિગ્નલ અપાયાં છે. સરદાર સરોવર ડેમમાં 1,43,919 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 43.08 ટકા છે. રાજ્યનાં 206 જળાશયમાં 1,89,345 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 33.92 ટકા છે. નર્મદા વિભાગનાં સૂત્રો કહે છે કે એક ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ છે, એક ડેમમાં 80થી 90 ટકા અને એક ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાથી વિવિધ એલર્ટના સિગ્નલ અપાયા છે. રાજ્યમાં વાપરવાલાયક પાણીનો સંગ્રહ માંડ 22.56 ટકા જ છે.
સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ દ્વારા 5મી જુલાઈથી આગામી 5 દિવસ માટે વેધર ફોરકાસ્ટ બુલેટિન મુજબ સુરત જિલ્લામાં 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એવામાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયા છે, સાથે જ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી ભારે વરસાદને કારણે જિલ્લાનાં જળાશયોના લો-લાઇંગ એરિયામાંથી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય એવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વતૈયારી અગાઉથી જ રાખવા લોકોને જણાવાયું છે. આ સાથે નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય એની તકેદારી રાખવા સૂચના અપાઈ છે.
સુત્રાપાડા, માંગરોળ, કોડીનાર, વેરાવળનાં ગામો જળબંબાકાર
એકધારા વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, વેરાવળ અને કોડીનાર તાલુકાનાં કેટલાક ગામો પાણીમાં ગરકાવ થયાં હતાં. સુત્રાપાડા તાલુકાના મટાણા ગામ સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાં છે. મટાણા ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતી હતી.


.png)