2022ની ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્યની સીટ પર ભાજપે ખેલ પાડ્યો છે. શહેરના હેમુગઢવી હોલ ખાતે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આપના આગેવાનો ભાજપમાં જોડાયા છે. પરંતુ મંચ પર ભાજપના જ નેતાએ ભગો કરતા સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જ્યાં આપ અને કોંગી આગેવાનોના પ્રવેશ સમયે રાજકોટ ભાજપના સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી હતી અને તેમણે કહ્યું હતું કે, આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે.
150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા
બાબુ નસીતના આ નિવેદનથી સ્ટેજ પરથી સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું, એ ભાઈ..કોંગ્રેસ નહિ ભાજપમાં જોડાશે. તુરંત ભાજપ નેતા બાબુ નસીતએ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું પણ સભાગૃહમાં હાસ્ય ફેલાયું હતું.નોંધનીય છે કે, રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પણ ભાજપનો કેસ પહેર્યો છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે.
ખૂંટ અને જાડેજા 10 દિવસથી તૈયારી કરી રહ્યા હતા
રાજકોટ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે સવારે 10 વાગ્યે ભાજપ દ્વારા એક કાર્યક્રમ યોજી કોંગ્રેસમાં મોટું ભંગાણ કરવામાં આવ્યું છે. આજે જિલ્લાના પ્રભારી વિનોદ ચાવડા, મંત્રી અરવિંદ રૈયાણી અને જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર સંજય ખૂંટ,મયુરસિંહ જાડેજા અને સવજી પરમાર તેમજ સહકારી આગેવાન રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સહીત 150 જેટલા કાર્યકર્તા સાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. સંજય ખૂંટ અને મયૂરસિંહ જાડેજા છેલ્લા 10 દિવસથી ભાજપમાં ભળવા માટે તૈયારી કરી રહ્યા હતા તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સાથે બેઠક કરી હતી.
ભાજપ પ્રવેશ કરનારા મુરતિયા
સંજય ખૂંટ (રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ), મયૂરસિંહ જાડેજા (લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ), સવજી પરમાર(એસ.સી. વિભાગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ), હિતેશ ખૂંટ (તા. પં. સભ્ય), બોદુ કેસરિયા (તાલુકા પંચાયત સભ્ય), મિલન દાફડા (તા. પં. સભ્ય), ભાવેશ હરસોડા (સરપંચ, નગરપીપળિયા), મહાવીરસિંહ જાડેજા (સરપંચ, રાતૈયા), દેશાગર સોંદરવા (સરપંચ, છાપરા), મનસુખ વેકરિયા (પ્રમુખ, માખાવડ મંડળી), નિલેશ રિબડિયા (સરપંચ, ખેરડી)
40 કરોડની ઓફર કરવામાં આવી
આ અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય ખૂંટ , લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયૂરસિંહ જાડેજા , કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સવજી પરમાર અને તેમની સાથે અલગ અલગ ગામના સરપંચો અને આગેવાનો આજે વિધિવત રીતે ભાજપમા પ્રવેશ કર્યો છે આ તમામને હું હ્ર્દય પૂર્વક પક્ષમાં આવકારું છું. આ સાથે હર્ષદ રીબડીયા ને ક્રોસ વોટિંગ માટે 40 કરોડની ઓફર કરવામાં આવી હોવાનું ગઈકાલે જૂનાગઢમાં હરહદ રીબડીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ માત્ર અફવા છે કોઈ એરૂપિયાની ઓફર થઈ નથી અફ્વાઓમાં ધ્યાન ના આપવું જોઈએ.


.png)