ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનુંનું મતદાન યોજાવાનું છે, જોકે એ પૂર્વે જ નવસારીની વર્ષોથી કોંગ્રેસનો ઘર રહેલી વાંસદા બેઠકના ઝરી ગામે ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ પર અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. કોંગી ઉમેદવાર અનંત પટેલના કહેવા પર તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ભાજપના ઉમેદવારે લગાવ્યા છે. બે મહિના પહેલાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર પણ હુમલો થયો હતો.
ટોળાએ રાત્રે હુમલો કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનુંનું મતદાન શરૂ થતાં પૂર્વે નવસારીની વાંસદા વિધાનસભાનું રાજકારણ ગરમાયું છે. મહત્ત્વની વાત છે કે મતદાન અગાઉની વાત ઉમેદવારો અને તેમના સમર્થકો માટે કતલની રાત ગણાય છે, ત્યારે રાત્રે 2:30 એ ચીખલીથી પોતાના ઘરે જઈ રહેલા ભાજપના ઉમેદવાર વાંસદાના પ્રતાપનગરથી વાંદરવેલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઝરી ગામ નજીક તેમની ગાડીને અજાણ્યા લોકોએ રોકી હતી. અનંત પટેલ સામે ઊભો રહી ચૂંટણી લડે છે, આદિવાસી નેતા બનવા જાય છે કહીને ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ પર સામે આક્રોશ વ્યક્ત કરી હુમલો કર્યો હતો.
અનંત પટેલ પર પણ હુમલો થયો હતો
બે મહિના પહેલાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા, એ દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલે કહ્યું હતું કે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાંક ગુંડાતત્ત્વોએ મને રોકી હુમલો કર્યો હતો. અનંત પટેલે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ અને રિંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.
હુમલામાં કારનો કાચ તૂટતાં પીયૂષ પટેલને ઇજા પહોંચી
ગાડીના કાચ તૂટવામાં આવતા પીયૂષ પટેલના માથામાં ઇજાઓ પહોંચી હતી. જરી ગામે ટોળાએ ઘેરી લેતા ઘટનાસ્થળે પીયૂષ પટેલના સમર્થકો પણ દોડી આવ્યા હતા, જેના કારણે ઘર્ષણ વધતાં ટોળાએ ભાજપના ઉમેદવાર અને તેમના સમર્થકોની કાર પર હુમલો કર્યો હતો. પીયૂષ પટેલની કાર પર લાકડા તેમજ અન્ય સાધનો વડે હુમલો કરતાં તેમણે બચવાનો પ્રયાસ કર્યો હતો અને ચાલકે કાર હંકારી મૂકી હતી. હુમલામાં કારનો કાચ તૂટતાં પીયૂષ પટેલના માથામાં ઇજા પહોંચી હતી, અન્ય લોકોને પણ ટોળાએ ફટકાર્યા હતા.
માથામાં બે ટાંકા લેવા પડ્યા
પીયૂષ પટેલ ઘટનાસ્થળેથી વાંસદા પોલીસ સ્ટેશનને પહોંચી ઘટનાની જાણ પોલીસને કરી હતી. વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે હાલ દાખલ થયા હતા, તેમના માથામાં બે ટાંકા લેવા પડ્યા હોવાની માહિતી છે. સમગ્ર મુદ્દે પીયૂષ પટેલે અનંત પટેલના કહેવાથી તેમના ઝરી ગામના સમર્થક ધનજીભાઈ તેમજ અન્ય લોકોએ તેમને રોકીને એમના પર હુમલો કર્યો હોવાની આક્ષેપો કર્યા છે. ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે
આ ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસ સહિત જિલ્લાના નાયબ પોલીસ અધીક્ષક સહિતનો કાફલો વાંસદા દોડી આવ્યો હતો. નાયબ પોલીસ અધીક્ષક એસકે રાય અને તેમની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી, સાથે જ ભાજપના ઉમેદવારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.





.png)